વગર કારણે ક્યાં ગઝલ ગણગણું છું?
હું ભીતર જવાની કવાયત કરું છું.
શુકન-અપશુકનના નથી ભેદ રાખ્યા,
મળ્યું એને અવસર ગણી ઊજવું છું.
વખોડ્યું નથી સૂર્યનું તેજ કિન્તુ,
હું મારા જ તેજે ખરી ઊતરું છું.
સતત આંખ ને કાન ખુલ્લા છે એથી,
સમયસર હું થીજું અને ઓગળું છું.
ઇજારો ભલે એક ખૂણાનો છે પણ,
જરૂરત પડે ભીડને સાચવું છું.
હવે આજને પણ થશે માન ખુદ પર,
ગઇકાલને એ રીતે ખેરવું છું.
નથી ભાર સ્હેજે કે પગ લાંબા પડશે,
ગજું મારું જોઈ ને ચાદર વણું છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply