ચડાવી વળ પછી ઠાલો ખુલાસો કર નહીં
બધી વાતે તું મનગમતો ખુલાસો કર નહીં
ખરે છે પાન એ તો મોસમી ઉપચાર છે
હવાનો વાંક છે એવો ખુલાસો કર નહીં
ગજું છે કેટલું તારું સમય કહેશે બધું
તું તારા ખાસ હોવાનો ખુલાસો કર નહીં
કશું છે કે નહીં એ તો હ્રદય સમજી ગયું
મગજને ટાંકીને પાછો ખુલાસો કર નહીં
બધું જાણે છે તું તારા વિશે, તો ઠીક છે
અરીસો જોઈને તાજો ખુલાસો કર નહીં
ભલે ને હાથ છે લાંબા છતાં પહોંચ્યા નહીં
સહજ એ વાતનો અઘરો ખુલાસો કર નહીં
સરળતા ને નિખાલસતા પ્રકાશિત હોય છે
ખુશી કે આંસુનો ખુલ્લો ખુલાસો કર નહીં
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply