તરોતાજા રહેવાનો દાવો કર્યો છે.
ઉદાસીને ઘૂંટી ઉકાળો કર્યો છે.
આ મુઠ્ઠી ને ખોલી, ખુલાસો કર્યો છે.
અનુભવનો ખુલ્લો ખજાનો કર્યો છે.
પરિચય હું મારો વધારે શું આપું ?
ગમા અણગમાથી ગુજારો કર્યો છે.
અહં ના બધા છેદ સ્હેજે ઉડાડી,
હ્રદય પર ઇજારો સવાયો કર્યો છે.
પરિણામ ભૂલોનું બીજું શું આવે?
થઈ કાજી ખુદનો ચુકાદો કર્યો છે.
ઉમળકો હશે તો ગમે ત્યાં જવાશે,
જો, ઝરણાં એ એવો ઇશારો કર્યો છે.
બધું દાવ પર હું મૂકીને રમું છું,
મને જીતવાનો ઇરાદો કર્યો છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply