આ તર્ક ને વિતર્ક જરા વાર હોય છે.
ને મૌન નો પ્રભાવ લગાતાર હોય છે.
ઉત્તર બધાય એના વજનદાર હોય છે.
ખાલીપો એ રીતે તો અસરદાર હોય છે.
બસ, આપણાં જ આંખ અને કાન બંધ છે,
બાકી તો આપણાંમાં અમલદાર હોય છે.
તું કોણ છે ? નો પ્રશ્ર્ન અરીસો તને પૂછે,
જાગી જવાની ક્ષણનો એ અણસાર હોય છે.
મોભો પહાડનો ય વધી જાય છે જુઓ,
ઝરણાંની ચાલ એવી લચકદાર હોય છે.
ઠંડક ગણો કે હૂંફ, સમયસર એ આપશે,
ઘરના બધા જ ખૂણા સમજદાર હોય છે.
આ રોજ ની કસોટી એ સાબિત કર્યું સમય,
થોડો -ઘણો તો તું ય તરફદાર હોય છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply