સૂર્યનું આ જોઈને માથું તપ્યું.
ચૈત્રમાં ગુલમ્હોરનું તાજું થવું.
એક નુસખાથી છૂટ્યું છે હું પણું,
મેં નજર સામે જ રાખ્યું ઝાડવું.
આખરે વાદળ થઈ વરસી શકો,
જો ઝરણ જેવું તમારું હો ગજું.
બંધ મુઠ્ઠીનો પછી મહિમા થશે,
કોઈને જો આંગળી ચીંધી શકું.
રાખું છું થોડો અરીસાથી લગાવ,
શક્ય છે કે મારી નજરે હું ચડું.
કૈં જ થાવાની ગતાગમ ના હતી,
એટલે હળવાશથી તરણું તર્યું.
મેં મને આપ્યું છે બસ એવું વચન,
એની સાથે રહેવા મારામાં રહું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply