સૂકા થડમાં ફરી લીલાશ આણી ખૂશ થાવાનું
ભૂલીને કાલ, ચાલો આજ માણી ખૂશ થાવાનું
ના લાગે ભાર સપનાનો રહે જો આંખ ખોલેલી
છે સુખદુખ જોડિયા બ્હેનો, એ જાણી ખૂશ થાવાનું
ઉગ્યાં બાવળ જગતમાં ચોતરફ પણ શાંતિ છે મનમાં
ફૂલોથી મ્હેકતાં જગની છું રાણી ખૂશ થાવાનું
આ શબ્દોનું જોર છે તલવાર કરતા પણ અણીયાણું
વંચાઈ આંખમાં જો મૌન વાણી ખૂશ થાવાનું
જીવન કાંઇ નથી, છે શ્વાસની ખાલી એ માયાજાળ
એ ફુગ્ગામાં હવા જાણે સમાણી ખૂશ થાવાનું
છો માણસ એમ કહેવા, આટલા કાં ઘમપછાડાઓ?
વહે જો આંખથી ક્યારેય પાણી ખૂશ થાવાનું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply