સોળ ક્યાં શણગાર સજવાની લગન છે ?
સાવ ખુલ્લી જાત કરવાની લગન છે.
માત્ર દરિયા ને જ મળવાની લગન છે !
ક્યાં નદીને કૈં જ બનવાની લગન છે ?
હોય શું આ મૌનના હૈયા ની ભીતર,
શબ્દ સામે સ્હેજ ટકવાની લગન છે.
એટલે અહિ દોડતા રહે જીવ સૌ ના,
આખરે તો ક્યાંક ઠરવાની લગન છે.
એક અમથા સ્વપ્નના યે મૂળમાં તો,
બસ, હકીકત થઈ ને ફળવાની લગન છે.
ઘાસને તો ક્યાં કશી યે લાલસા છે ?
ઓસને સરતાજ કરવાની લગન છે.
ધ્યાન મારું હોય છે મારી ઉપર અહિં,
એની નજરે એમ ચડવાની લગન છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply