સંવાદ ‘હું’ થી કર, પછી ઘડતર થશે
ઘટના હશે ઝીણી છતાં ચણતર થશે
તું કલ્પનાને બે ઘડી અવતાર તો –
કોરી હકીકત પર સરસ જડતર થશે
સંદર્ભ પીડાનો હશે જો નામમાં,
ચર્ચા થશે ને એય પણ નવતર થશે
જો ભાગ્યવશ ખોટી ઠરે કારણ વગર
તો ધારણાંના કાળજે કળતર થશે !
શોધો ભલે ને દર્દના કારણ નવાં,
એના ઉપાયો એટલા પડતર થશે
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply