જાવાની વેળા આવી ઝીણું મર્મર હસતો જા સાંજ થવા આવી છે જો,
ડૂબતો સુરજ લાલ થઈને ભાઈ બહુ હસ્યો આ સાંજ થવા આવી છે જો.
બહુ જોયા ભજવ્યા નાટક જગમાં, ભેગા થઇ મહેફિલે ઘણી દાદ ભરી,
હસતા મુખે આવીને હવે અવનીને આવકાર, સાંજ થવા આવી છે જો
બહુ ગુમાવ્યું આજકાલમાં તારું મારું કરવામાં, સાથ કશું નાં લઇ જાવાનું,
ગળી લે છેલ્લો છે સમજી આ કડવો ઘુંટ, તારે સાંજ થવા આવી છે જો.
આખું જીવન જે તાર તાર કરી બહુ કાંત્યું, એ સહુને કકડો કકડો દેતો જા,
વિદાયે વેળાએ તોજ બધા ભેગા થઇ કરશે યાદ, સાંજ થવા આવી છે જો.
આગળ પાછળ તે બહુ વીંટાડયા, આ મારા છે જાણી સહુ સ્વજનોનાં ભાર
હલકું થાતા શરીરને એ પ્રથમ લઇ દોડયા બહાર, સાંજ થવા આવી છે જો.
બનાવી ઘરને મંદિર તે સંસ્કારોની ગીતા વાંચી, નાં આટલા થી ભલું થાશે,
ભવસાગરને પાર ઉતરવા થોડું હરિને ભજતો જા, સાંજ થવા આવી છે જો
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply