સમય સામે ધરીને હાથ, મેં માંગ્યો છે ખાલીપો,
સહજતાથી ગઝલ ને ગીતમાં, ઢાળ્યો છે ખાલીપો !
નશામાં મૌનના, ખૂલી જશે સૌ ભેદ એ બીકે,
જરી ચપટી ભરી, એકાંતમાં ચાખ્યો છે ખાલીપો !
ખબર કોઈને ક્યાં પડવા દીધી એની અસરની મેં ,
અને સ્વમાનથી બે આંખમાં રાખ્યો છે ખાલીપો !
સરળ હોતા નથી એના બળાપાને સહન કરવા,
દિવસ કે રાતને જોયા વગર આવ્યો છે ખાલીપો !
નહીં આવે કશું સાથે, જવાનું એકલા થાશે,
સમયને વારસામાં મેં લખી આપ્યો છે ખાલીપો !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply