કવિતા
‘નવનીત સમર્પણ’ – January 2011માં પ્રકાશિત
આમંત્રણ
વિષાદ છે જિંદગીમાં?
ધીમી વાટે સળગતો
હળવે હળવે વરસતો
વિષાદ?
દેખાઈ રહ્યું છે તળિયું
વિષાદે પેદા કરેલી ઉર્જાનું.
શું બદલાયું છે
વિષાદને ઓળખવાની મારી દષ્ટિ?
કે
એની સાથે સંબંધાવાની શૈલી?
શું વિષાદ એટલે
રંગ-આકાર-ઓળખ બદલ્યા કરતી મનઃસ્થિતિ?
ભીરુ ઓક્ટોપસની જેમ?
સાતત્ય કદાચ તેના સ્વભાવમાં નથી.
કેવો છે વિષાદનો અર્ક?
કાળો?
કે નિઃસીમ આકાશ જેવો પ્રમાદી બ્લુ?
સુશુપ્તાવસ્થામાં સરી જવું
એ વિષાદનો સ્વભાવ છે
કદાચ.
સુખની જેમ.
વિષાદમાં તાકાત છે
મને જાત સરસો ચાંપી દેવાની.
તેણે ખોલી દીધેલા અંતઃ ચક્ષુઓને
ચશ્માં આવી ગયાં છે કે શું?
વિષાદ, તું આવ
સ્થિરતાના સુરક્ષાકવચને તોડીમરોડીને, ભેદીને.
તારી પીઠ પર લદાયેલાં
પેલાં નવાં સત્યોમાં મને રસ છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2011 )
Leave a Reply