રહીને સ્થિર ફરવાનો કસબ શીખી ગયા ,
અમે ભીતર ઊઘડવાનો કસબ શીખી ગયા .
ગણતરી કેટલી મનમાં, મગજમાં થઈ પછી ,
થઈને બાદ વધવાનો કસબ શીખી ગયા .
હશે હા ડાળ સાથે લાગણી જેવું છતાં ,
બધા યે પાન ખરવાનો કસબ શીખી ગયા .
ગમા ને અણગમાના ભારથી એવું થયું ,
સવાલો ખુદ્દને કરવાનો કસબ શીખી ગયા .
આ હોવું વારસાગત ક્યાં મળ્યું છે એમનેમ ?
બનાવોથી નીખરવાનો કસબ શીખી ગયા .
ગગનને આંબવાના પાંખના મનસૂબા પણ ,
સમયસર પાછા વળવાનો કસબ શીખી ગયા .
વધારે થાય શું બીજું , કહો આ પ્રેમમાં ?
હ્રદયને કાને ધરવાનો કસબ શીખી ગયા .
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply