પ્રાર્થના, પૂજા, દુઆની વારતા કૈં ઓર છે.
આ સમયના ચાકડાની વારતા કૈં ઓર છે.
હું તમારા મત મુજબ પગલાં ભરી લઉં છું, પરંતુ..
હોઈએ એવાં થવાની વારતા કૈં ઓર છે.
દાદ શબ્દોને મળી ત્યારે મને મનમાં થયું,
મૌન મારું સાંભળ્યાની વારતા કૈં ઓર છે.
પ્રશ્ન પોતીકા હતા બસ એટલું સમજ્યા પછી,
જે થઈ છે એ કૃપાની વારતા કૈં ઓર છે.
ઘર વિશે વક્તવ્ય આપો, સાંભળો એ ઠીક પણ,
વાટ જોતા ઉંબરાની વારતા કૈં ઓર છે.
સ્થાન કોને ક્યાં મળ્યું, ચર્ચા કરી તો ભાન થ્યું,
ના મળી એવી જગાની વારતા કૈં ઓર છે.
આવડત અંગે કથા લાંબી કરી જાણી ગયાં,
ડાળખી જેવાં ગજાંની વારતા કૈં ઓર છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply