પ્રશ્ન ખુદને પૂછવા આઝાદ છું.
દાખલો બેસાડવા આઝાદ છું.
ચાર ભીંતો, ઉંબરાની ઓથમાં,
જાતને વિસ્તારવા આઝાદ છું.
હું ની સામે હું નો જ્યારે જંગ હોય,
હારવા કે જીતવા આઝાદ છું.
જિંદગીનું ચિત્ર ઝાંખુ થાય નહિ,
રંગ મારો પૂરવા આઝાદ છું.
દુ:ખતી રગ ધ્યાનમાં રાખી શકું,
એટલું સધ્ધર થવા આઝાદ છું.
ભાગ્ય બે ડગલાં ભલે આગળ રહે
હું સમય સાથે જવા આઝાદ છું.
અર્થ આઝાદીનો મેં આવો કર્યો,
મારી લીટી દોરવા આઝાદ છું.
~ લક્ષ્મી ડોબરિયા
( સ્વતંત્રતા પર્વ નિમિત્તે દૂરદર્શન અમદાવાદ દ્વારા આયોજિત વિશેષ કવિ સંમેલનમાં રજૂ કરેલી ગઝલ. )
Leave a Reply