પ્રશ્ન અથવા જવાબ હોઈ શકે.
આ સમય લાજવાબ હોઈ શકે.
હાથ હો ખાલી, ભીતરે જો જે,
મૂડી ત્યાં બે-હિસાબ હોઈ શકે.
આંખ ભીની ને હોઠ હસતા હો,
ખાલીપાનો રૂઆબ હોઈ શકે.
હોવાનો અર્થ એમ જોયો મેં,
ઓસ પણ આફતાબ હોઈ શકે.
આજની આ ક્ષણો, હકીકતમાં-
કાલે જોયેલા ખ્વાબ હોઈ શકે.
વાંચે છે આ હવા સતત જેને,
પાંદડા પણ કિતાબ હોઈ શકે.
આ ગઝલ. . જિંદગીએ આપેલો,
ખૂબસૂરત ખિતાબ હોઈ શકે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply