પોતીકા તેજ માટેના નુસખામાં રસ પડ્યો.
એ કારણે મને હવે મારામાં રસ પડ્યો.
આ વારતાનો એવો પડ્યો છે પ્રભાવ કે –
એક ગમતું નામ શોધવા ફકરામાં રસ પડ્યો.
ખાલી થવાની વાત ગળે ઊતરી પછી,
વ્હેંચી શકાય એવા ખજાનામાં રસ પડ્યો.
સંભાવના આ હાથ ને હૈયાની જોઈને,
બસ, જિંદગીના પાઠ-પલાખામાં રસ પડ્યો.
સંજોગ ને સમયના સવાલો છે એટલે,
ઉત્તરમાં જે કરું છું એ કરવામાં રસ પડ્યો.
જે થાય છે ને થઇ ગયું થી આટલું થયું,
ઘટના પછી ઘટી છે એ ઘટનામાં રસ પડ્યો.
હળવા થવાની વાતને હળવી જ રાખવા,
ટાણાં ઉપર પડે છે એ પડદામાં રસ પડ્યો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply