વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક ગીત.
_________________________________
ઝાડ દિલાસો વાવે.
સધિયારો દેવાને બાહુ ડાળ તણાં લંબાવે.
પાન સમયસર ખરી પડે ને ખુદનું માન વધારે
કૂંણી કૂંપળ ટાણે આવી ડાળનું હૈયું ઠારે.
વાસંતી ને વૈશાખી પળ પોંખી લે સમભાવે..
ઝાડ દિલાસો વાવે.
ચૈતરની લૂ ને પણ દઈ દે શીતળતા વરણાગી
તડકાને ઝીલવાની કિંમત ક્યાંય કદી ના માગી
સ્થિર થઈ વધવાના નુસખા આમ મને સમજાવે..
ઝાડ દિલાસો વાવે.
નિજના વૈભવને સ્હેજે મોસમના રાગે ઢાળે
વાત-વિસામો સહુનો થાવા મૂળને ઊંડા ગાળે
માળાના ધબકાર સુણી શણગાર એ સોળ સજાવે.
ઝાડ દિલાસો વાવે.
—— લક્ષ્મી ડોબરિયા.
Leave a Reply