આ મન-મગજમાં હશે શું? એ જાણવા આવે.
વિચાર એના જુઓ વાતવાતમાં આવે.
બધી ખબર ન પડે, એટલું સ્વીકારી લ્યો,
પછી જો ખુદને મળો તો ખરી મજા આવે.
મળ્યો ન માર્ગ સરળ ને સીધો કદી એને,
આ ઓરતા છે એ ખળખળ થતા થતા આવે.
વિરામચિહ્નનો મહિમા તમે ય જાણો છો,
તમારી, મારી કથામાં પૂરક થવા આવે.
જરાક પીઠને પસવારી ને વધાવી લઉં,
કરું શું બીજું? જ્યાં અણધારી આપદા આવે.
સમયની ચાલને સમજીને સ્થિર થાઉં ત્યાં,
નવી નકોર થઈને જૂની વ્યથા આવે.
કરી શકાય નજરકેદ તો કરી લેજો,
સ્મરણ છે એ તો છડેચોક આંખમાં આવે.
લક્ષ્મી ડોબરિયા
24 sep 19
Leave a Reply