ડાયરીનું એક પાનું
તારીખ : ૧૨-૪-૨૦૧૦
સમય : રાત્રે ૧-૪૫
મને ખૂબ ગમતા લેખક વિ.સ. ખાંડેકરનો નવલિકા સંગ્રહ ‘નૂતન પ્રભાત’ વાંચવાનું આજે શરૂ કર્યું.
પ્રથમ નવલિકા ‘નૂતન પ્રભાત’માંથી જે સાર મળ્યો એ વિચારતાં કરી મૂકે એવો છે.
વાર્તા હેડ માસ્તર દેશપાંડે અને વિદ્યાર્થી રમાકાન્તની છે. રમાકાન્ત ગરીબ વિધવાનો પુત્ર છે તેથી દેશપાંડે એને પોતાના ઘરે રાખીને ભણાવે છે. આ દરમ્યાન રમાકાન્ત અને દેશપાંડેની દીકરી પરસ્પર લાગણી અનુભવે છે.
એસ.એસ.સી. માં રમાકાન્ત સારા માર્ક્સ સાથે પાસ થાય છે.. પરંતુ ઘરની જવાબદારીના કારણે આગળ ભણવાનું છોડીને મુંબઇ જાય છે ત્યાં નોકરી કરે છે જે એની યોગ્યતા મુજબ ન હતી.
આ બાજુ દેશપાંડે પોતાની દીકરીના લગ્ન એક સાધન સંપન્ન પરિવારમાં કરાવે છે.
રમાકાન્ત..અંદરથી વલોવાય છે ને બીમાર પડી જાય છે. એની વિધવા મા દેશપાંડેને કહીને રમાકાન્તને બોલાવી લે છે.
દેશપાંડે રમાકાન્તની સારવાર કરાવે છે ને ફરી એને પૂનામાં નોકરી અપાવે છે. રમાકાન્ત એ નોકરી છોડીને પણ જતો રહે છે.
એક દિવસ રમાકાન્તનો પત્ર દેશપાંડેને મળે છે..જે વાંચીને દેશપાંડેની આંખ ખુલી જાય છે.
પત્રમાં રમાકાન્ત પોતાની વેદના બતાવે છે કે.. ગરીબાઈના કારણે એ વધુ અભ્યાસ ન કરી શક્યો, સારી નોકરી ન મેળવી શક્યો ને જેને ચાહતો હતો..તેના માટે યોગ્ય હોવા છતાં માત્ર ગરીબ હોવાના કારણે અયોગ્ય ઠર્યો.
આમ ગરીબાઈના કારણે અગણિત નિરપરાધી યુવાનો સજા ભોગવી રહ્યાં છે એવું એ માને છે ને નૂતન પ્રભાત માટેના આશીર્વાદ માંગે છે.
આ પત્ર વાંચીને દેશપાંડે..પોતાને મળેલ આદર્શ શિક્ષકનું સન્માનપત્ર કબાટના પાછળના ખાનામાં કોઈને ન દેખાય એમ મૂકી દે છે.
આ નવલિકામાં આપણાં સમાજની બે બાજુ બતાવી છે..શિક્ષક પોતાની રીતે પ્રયત્ન કરે છે..પણ વિદ્યાર્થી સમાજ વ્યવસ્થાના કારણે હતાશ થાય છે ત્યારે શિક્ષકને પોતાને મળેલું સન્માન કેટલું ખોખલું છે એ સમજાય છે.
લક્ષ્મી ડોબરિયા
18 may
Leave a Reply