ભીતરી સૌ રંગ ખિલતા હોય છે સહવાસમાં
ભીતરી સૌ રંગ ખિલતા હોય છે સહવાસમાં
સૂર્યસમ એથી દિસે છે ઓસબિંદુ ઘાસમાં.
ઐ ઉદાસી, કેટલો છે જોઈ લે તારો પ્રભાવ,
ભીડમાં પણ તું મને વર્તાઈ શ્વાસોશ્વાસમાં. *
પાંચમાં પૂછાવા શું સમજણ જરૂરી હોય છે ?
ક્યાં સમજ છે, વૃક્ષને કૈં આમ અથવા ખાસમાં.
આ દલીલો, દાખલાથી પાર સઘળું નહિં પડે,
નાવ તરતી મૂકવાની હોય છે વિશ્વાસમાં.
હાથ હેઠા ના પડ્યા, આ વાત જાણી ત્યારથી,
કેટલી સંભાવના છે બીજમાં ને ચાસમાં !
સ્થાન ખાલીપાનું રાખ્યું મેં સવાયું કેમ કે –
હું મને જોઈ શકું છું નોખા એ અજવાસમાં.
આ સમય, સંજોગ સામે શું વધારે થઈ શકે ?
જીવને રાખ્યો, નદીની જેમ બસ ઉલ્લાસમાં.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply