સ્થિતિ આ સંબંધમાં સહેવાય નહિં
સ્થિતિ આ સંબંધમાં સહેવાય નહિં,
હોય આંધણ ને કશું ઓરાય નહિં !
એટલી હળવાશ પણ શું કામની ?
તાગ તળિયાનો કદી લેવાય નહિં !
લ્યો, પુરાવો મારી ઊંચી પ્હોંચનો,
મારાથી મારા સુધી પ્હોંચાય નહિં !
આ ગ્રહોની ચાલથી સાબિત થયું,
આજમાં કૈં કાલથી રહેવાય નહિં.
આટલી સમજણથી બસ, ડૂમો થયો,
નેવું થઈ ને આંખથી ચૂવાય નહિં.
તું વળાંકો ને વમળને આમ જો –
પાનખર વિણ ડાળથી કોળાય નહિં.
સાચવી લેજે જણસની જેમ બસ,
બંધ મુઠ્ઠી ક્યાંય જો ખોલાય નહિં.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply