હુંપણાં ની ડાળ કાપી તે છતાં, જોજો જરા.
કૂંપળોની છે હજુ પણ શકયતા, જોજો જરા.
હોઈએ એવા થવાના યત્નમાં ખપ લાગશે,
પ્રશ્ન રુપે છે ઘણી મોંઘી મતા, જોજો જરા.
કોઈ ગમતી વાત કે વિચાર પાછળ દોડશે,
ને પછીથી એ જ મનની સ્થિરતા, જોજો જરા.
એક ચહેરા પર ઘણાં ચહેરા હકીકતમાં જડે,
ધ્યાનથી બસ આગતા ને સ્વાગતા, જોજો જરા.
વાત પોતાની વણી લે, વાતમાં ને વાતમાં,
બેકરારીમાં કરારી સ્વસ્થતા, જોજો જરા.
હાથ એનો ઝાલશો તો ક્યાં થી ક્યાં એ લઈ જશે,
પણ સમયની યોગ્યતા ને પાત્રતા, જોજો જરા.
એક સરખી જાતરા મારી, તમારી છે છતાં,
રંગ ને ઉમંગની વિવિધતા જોજો જરા.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply