થવાનું થાય છે એ વાતનો વિવાદ ટાળીને
મેં સપનું એક જોયું છે, હકીકતને તરાશીને
ભરોસો મેં મને આપ્યો, સમયની ચાલ તાગીને,
અને, આ દાવ લીધો, દાવ પર સઘળું લગાવીને.
અસર સંગાથને સંવાદની, એવી થઈ છે કે –
સફર આસાન લાગે છે, ફકત ‘હું’ ને ગુમાવીને.
કહે છે શું બધા તારા વિશે, એ તર્ક છોડી દે,
તું બસ તારો પરિચય આપ, દુઃખતી રગ દબાવીને.
ઠરીને ઠામ થઈ જાશે, મને ધરપત હતી એથી –
ગઝલના ખોળે મૂક્યા છે, વિચારો મેં તપાવીને.
– લક્ષ્મી ડોબેરિયા.
ગઝલવિશ્વ માર્ચ ૨૦૧૩ના અંકમાં પ્રકાશિત મારી ગઝલ .
Leave a Reply