છેટા રહીને પણ અમે અળગા થયા નથી
એવો પ્રણય કર્યો કદી ગાંડા થયા નથી.
વર્ષો થયાં છતાં હજી રસ્તા થયા નથી,
બુદ્ધિના આંધળા અહીં ભેગા થયા નથી?
પાંચે વખત નમીને વફાદાર રહ્યા છે,
માટી મને બતાવ ક્યાં સજદા થયા નથી.
શબ્દોના મોતીઓથી પરોવી ધરી ગઝલ,
એવા કયા છે ગાલ જ્યાં દીવા થયા નથી?
મંદિર, તલાકથી તમે રાજી કરી દિધા,
ચ્હેરા આ મોઘવારીથી હસતા થયા નથી.
ડૂબીને ચાહનાર તું મહેફિલમાં પ્રાણ પૂર,
તારા સમાન શહેરમાં વકતા થયા નથી.
ફુરસદ મળે તો દોસ્ત, હું તારા તરફ વળું,
જીવનના કામકાજથી નવરા થયા નથી.
હોદ્દા ધરીને લોકોએ મોટા કરી દીધા,
પુત્રો હજીયે મમતાથી ઘરડા થયા નથી.
– સિદ્દીક ભરૂચી | Siddiq Bharuchi
Leave a Reply