રોજ સાંજ પડેને મારા પગ ઘર ભણી નથી ઉપડતા,
અજંપોને ઉદાસીનતા ધેરી વળે.
દિવસની વ્યસ્તતામાં સમય પસાર થયો.
કોણ રાહ જોવે હવે? કોને કહેવી રોજની વોતો…
તાળુ ખોલી ધર ખોલું..
ઘર આને ઘર કેમ કહું?
તારી હુંફની દિવાર, તારા સ્નેહ ના બારી દરવાજા..
તારા પ્રેમ ભર્યા સહવાસની છત વિના…
આ ઘર નહિ મકાન છે.. હવે..
ટીફીનનું ભોજન… તારા સ્પર્શ વિણ બેસ્વાદ…
આજ અલમારી ખોલી તારા સુગંધિત શ્ર્વાસની કમી ત્યાં પણ…
શર્ટનું તુટેલ બટન મારી પર હસ્યું…
તો સાથેનું પેન્ટ અંતે પણના મળ્યું..
કપડાંની અવ્યવસ્થા,અસ્તવ્યસ્ત ઘર..
જીવન વેરવિખેર..
સવારની ચા તારા સ્મિત વગર કડવીલાગે..
આ શ્ર્વાસોનું બંધન કેમ કાપું?
રોજ તને મળવાના ખ્યાલ સાથે બિસ્તરમાં જઉ..
સવાર પડતા એજ… ઓહ હજુ….
શ્ર્વસું છું રોજ… શ્ર્વાસોમાં તારી કમી ભરી…
કાપવો જ રહ્યો આ પંથ એકલા..
તને ગમતું બધું કરું પણ… તું કયાં…?
આંખો પણ વિદ્રોહ કરે..
અશ્રું તો તળિયે બેઠા…
મન સતત તને જ ઝંખે..
તારી તસ્વીર પરનો હાર તારી જીતનું હાસ્ય મને ખુંચે..
તારી અખંડ સૌભાગ્યવતીની ઇચ્છા અે…
મને કરી દીધો વેરવિવેરખેર..
તારી યાદોના સ્પંદનો સાથે… રોજ થોડો તુટતો રહું છું..
અંદરના ખાલીપાને છુપાવી હાસ્યને ચહેરા પર સજાવી..
એકલતા દંશો સાથે રિબાતો પીડાતો.. તારોજ… તારોજ..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply