પહોંચ મારી ચકાસી લઉં છું.
તમારી હા, ના સ્વીકારી લઉં છું.
પછી થી એની થઇ છે ચર્ચા,
હું વાત જ્યારે ટૂંકાવી લઉં છું.
કરી શકું શું હું મારા માટે ?
સવાલ બસ આ ઉઠાવી લઉં છું.
બની શકે કે મળું હું ખુદને,
તરસને એથી જીવાડી લઉં છું.
નથી વધારે કૈં કેફિયતમાં,
હ્રદયને સ્હેજે ઉઘાડી લઉં છું.
મેં આટલું બસ ગણિત શીખ્યું,
સમજની ત્રિજ્યા વધારી લઉં છું.
નથી, નથી ના શું ગીત ગાવા,
જે મારું છે એ લૂંટાવી લઉં છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply