પડતર સવાલ પૂછશે, ધાર્યું ન’તું કદી.
સમજણ, તું ઝીણું કાંતશે, ધાર્યું ન’તું કદી.
મારી આ બોલબાલા છે તારા જ કારણે,
પણ તું જ દુ:ખતી રગ થશે, ધાર્યું ન’તું કદી.
ગમતું બધું નિહાળવા આંખો કરી’તી બંધ,
સપનું સતત જગાડશે, ધાર્યું ન’તું કદી.
વળગણ નથી નો ગર્વ મેં સ્હેજે કર્યો હતો,
નીરસ બધું યે લાગશે, ધાર્યું ન’તું કદી.
મેં તો તરસને ત્રસ્ત થઈ ને વખોડી પણ,
અંતે પરબ એ માંડશે, ધાર્યું ન’તું કદી.
ઝરણું થવાની વાત મેં એમ જ કરી હતી,
મન, ગાંઠ મનમાં વાળશે, ધાર્યું ન’તું કદી.
તૈયારી તો હતી કે સમય સાથે હું રહું,
સામા પૂરે તરાવશે, ધાર્યું ન’તું કદી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply