ઓ વાયરા, તારે તો ઠીક, તારી મસ્તી ને મોજમાં તળ ને શિખર બધું તાગે.
આખા ય ગામની વાત્યું સુણી ને પછી વહેતી કરે છે ઝીણાં રાગે.
અહીંથી ને તહીંથી તું દોડ્યા કરે છે, તારું ક્યાં છે કોઈ ઠામ કે ઠેકાણું?
તારા હોવાનો તોય મહિમા છે એવો કે તારા વિણ વાય નહીં વહાણું.
ઓતરાદા, દખણાદા અણસારા સાથે તું અધરાતે-મધરાતે જાગે.
ઓ વાયરા, તારે તો ઠીક, તારી મસ્તી ને મોજમાં તળ ને શિખર બધું તાગે.
હળવેથી આવી તું સાંકળ ખખડાવે ત્યારે કાન કેવા સરવા થઈ જાતા !
અમથી તું લટને રમાડી લે થોડી ત્યાં ધબકારા જાણે હરખાતા !
તારા વિશે વધુ કહેવાનું શું? તું તો અણદેખ્યો સાથી મને લાગે.
ઓ વાયરા, તારે તો ઠીક, તારી મસ્તી ને મોજમાં તળને શિખર બધું તાગે.
પાંદડું હલે કે દીપ બૂઝે કે જળ જરા કંપે એ કારનામા તારા,
ઘડિક સ્થિર થઈને ઘડિક ઘૂમરી લઈને તું તો મોઘમ કરે છે ઈશારા.
સીમાડાપારના સંદેશા લાવે ને બદલામાં ક્યાંય કશું ક્યારેય ન માંગે,
ઓ વાયરા, તારે તો ઠીક તારી મસ્તી ને મોજમાં તળને શિખર બધું તાગે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply