અજવાળું આપવાના નુસખા ઘણાં કરે છે.
સૂરજ ની જેમ સ્મરણો કાયમ કૃપા કરે છે.
આ જિંદગી તો કેવી કેવી કળા કરે છે.
રગ દુઃખતી દબાવી જીવાડવા કરે છે.
આઘું ને પાછું થઈ ને મન તો જગ્યા કરે છે.
ગમતાં ની સ્થાપના ને ખુદની તમા કરે છે.
મેં લાગણીની વ્યાખ્યા બસ આટલી જ સમજી,
ઋણ ચૂકવ્યા કરે છે, તો યે વધ્યા કરે છે.
મન સ્થિર થઈ શક્યું છે, આ એક વાત થી કે,
એના વિચાર મારો પીછો કર્યા કરે છે.
હું મૂળ ને ચકાસું, તું ડાળખી વખાણે,
સહમત થવાના આમ જ અર્થો જુદા કરે છે.
આગળ નથી જવાતું એના વગર તો ક્યાંયે,
આ રાહ જોતી પળ તો એવી ગમ્યા કરે છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply