નવી રોજ તાજી ખબર આદમી,
નવી હર ગઝલની બહર આદમી.
દરેક જીવ પોતાના હકનું ગણે,
સંબંધોનુ આસન, શજર આદમી.
ફકત બુદ્ધિઓનું પ્રદર્શન છે આ,
વિચારો તો છે માપસર આદમી.
પરીચય કરાવે તને લક્ષ્યનું,
કદમની વિરાસત સફર આદમી.
કદી આંસુઓ,હાસ્ય,સ્વપ્ન,પ્રણય,
ઈશારાની ભાષા નજર આદમી.
સમય સૂર્ય થઇને ટકોરો કરે,
ખબર છે, છતાં બેખબર આદમી.
ઘડીભર બગીચો, ઘડીભર ઋતૂ,
વષંતો કદી , પાનખર આદમી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply