નાતમા પૂછાય છે તો નામથી,
યાદ આવે છે તો કોઇ કામથી.
સદ્દગુણોના મૂલ્ય ઝાખા થૈ ગયા,
આદમીના ભાવ છે તો દામથી.
તારલા વ્હેલા જરા પ્હોંચી ગયા,
ચાંદ આવે છે જરા આરામથી.
કોઈ પીશે તો એ પરખાઈ જશે,
જેમણે ચાખી અમારા જામથી.
તીર ટીકાના ઝીલી વીતી ગયા,
કો બચી ભાગી ગયા બદનામથી.
બાળકો સૂઇ જાય છે જલ્દી હવે,
મા હજી ડારે છે ગબ્બર નામથી.
એક રસ્તો જાય છે દિલ્લી તરફ,
સ્વર્ગમાં એક જાય છે મુજ ગામથી.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply