નામ સાથે નામ ને જોડ્યું હતું સમજણ થકી,
ભાવિ મારું એ રીતે ભાખ્યું હતું સમજણ થકી.
મેં મને મળવાનું બસ, ધાર્યું હતું સમજણ થકી,
પ્રેમ કેરું ટાંકણું, માંગ્યું હતું સમજણ થકી !
એ નદી, સાગર, ને અંતે મેઘ થઈ વરસી પડ્યું,
જે ઝરણ ધીરજ ધરી, દોડ્યું હતું સમજણ થકી.
પારદર્શી છે છતાં, એ છે અકળ. . સાબિત થયું,
સ્થિર ત્યાં થ્યું જ્યાંથી મન વાળ્યું હતું સમજણ થકી.
દર્દ, પીડા, ખુશીઓ ના અસબાબથી સધ્ધર ગઝલ,
મારું આ સરનામું મેં આપ્યું હતું સમજણ થકી.
રાહ જોવાની મળે જાહોજલાલી બેઉ ને,
એટલું અંતર અમે રાખ્યું હતું સમજણ થકી !
મેં મને પુરવાર કરવા, ક્યાં ઉમેર્યું છે કશું ?
બસ, વધારે જે હતું, છોડ્યું હતું સમજણ થકી !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply