નામ લેવાનુ અમે ભૂલી ગયા,
યાદ કરવાનું અમે ભૂલી ગયા.
સર્વ સંબંધોએ દમ તોડી દિધા,
જેને મળવાનું અમે ભૂલી ગયા.
‘માનવી છું’ કોઈ ઓળખતું નથી,
એમ હોવાનું અમે ભૂલી ગયા.
દુશ્મનોની વ્યાખ્યામાં લઈ ગયા,
વૉટ દેવાનું અમે ભૂલી ગયા.
હોશમાં આવી ગયું આખું જગત,
‘જામ’ પીવાનુ અમે ભૂલી ગયા.
માલ મિલ્કત ને મતાની ભૂખમાં,
દોસ્ત મરવાનું અમે ભૂલી ગયા.
કેડીઓએ ગૂંચવી રાખ્યા હતા,
પથ સમજવાનું અમે ભૂલી ગયા.
ઠોકરો વાગી તો સંદેશો મળ્યો,
‘સ્વ’ સમજવાનું અમે ભૂલી ગયા.
એક ચ્હેરો સામે ‘ સિદ્દીક’ આવતાં,
ચાંદ જોવાનું અમે ભૂલી ગયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply