મુઠ્ઠી ખોલી નાંખો…
હોય જરૂરી દીવાલો તો બારી ખુલ્લી રાખો…!
ચૈતરના તેજે ગરમાળો, સોળ સજે શણગાર,
ઋણ નદીનું ચૂકવી દેવા, દરિયો થ્યો તૈયાર,
આમ..લકીરો બહારે નીકળી, ખુદ્દનું ભાવિ ભાખો…!
ને, મુઠ્ઠી ખોલી નાંખો…!
વેલ સહજ વિસ્તરવા લઈ લે, વાડ તણો આધાર,
એમ હલેસાં વિણ ના પહોંચે, નાવ નદીની પાર,
કાગળને આકાશ-શબદને, સમજી લ્યો બસ પાંખો…!
ને, મુઠ્ઠી ખોલી નાંખો…!
વાત હ્રદયની કહેવી છે તો, શીદ્દને કરો વિચાર ?
ખાલીપાની એરણ ઉપર, કાઢો ખુદ્દની ધાર..
તેજ સલામત ખુદ્દનું રાખી, પડછાયાને સાંખો…!
ને, મુઠ્ઠી ખોલી નાંખો…!
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply