શિયાળો આવ્યો
અને,
સવારથી લઇ સાંજ સુધી
સરસર સરકતો લાંબો તડકો
સંકોરાઈ ગયો.
મે, રોજ ખુલ્લી રહેતી એ બારીને બંધ કરી.
જેને સવારમાં હું ખોલતી ત્યારે
સામેના વિપીંગ વિલો ઉપર
પંખીઓ, મીઠું ટહુકતા
મારે પણ તેમની સાથે,
રોજ પળ બે પળની સંગત હતી.
હું માનતી આ પંખીઓ સાવ અબુધ છે,
પણ એ,
બહુ શાણા નીકળ્યા.
હવા બદલાતી જોઈ
સંપ કરીને ઘર છોડી ગયા.
અને જાતી વેળાએ કરેલા ટહુકામાં
કોણ જાણે એવું તો શું કહી ગયા,
કે એ ઝાડ,
બધાય પાનાં ખેરવી બહુ રડયું.
હું,
ના પંખી બની ઉડી શકી
પાંદડા ખેરવી ના રડી શકી.
આજે પણ કાચની બંધ બારીની અંદર,
ફરી ટહુકા સાંભળવાની રાહમાં
હું બારી ખોલવાની ચાહમાં,
નિર્જન રાહમાં આંખો ફેલાવીને બેઠી છું…
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply