તું પ્રેમ કર,
મારામાં રહેલી હું ને પ્રેમ કર,
જેમ ભમરો રંગને નહિ સુગંધને કરે છે.
શરીર સાથ નહિ આપે ત્યારે
તારામાં ભળેલી “હું” જડી આવીશ.
જેમ મધમાં ફૂલની મીઠાસ મળે છે.
પહેલા મિલનની
એ પહેલી પળો
હજુયે વળગી છે જાણે જળો.
ચાંદની રાત ને આછું અજવાળું
અઠખેલી કરતા ચાંદની વાતું
ખુલ્લાં આભમાં પછી નિંદ્રાધીન હું
અને સામે
મને કલાકો નિહાળ્યા કરતો તું
હા! આભે એજ ચાંદ છે
કુષ્ણ પક્ષ, શુક્લ પક્ષની માફક
ઘરતી સાથે સમય બદલાય છે.
ત્યારે હું કહેતી “મને મારી વાતો કર ”
“તું મને પ્રેમ કર ”
હવે આજે કહું છું “મને તારી વાતો કર”
તું મારામાં રહેલી મને પ્રેમ કર….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply