મનને થોડું ઉદાસ રાખું છું.
એમ એની તપાસ રાખું છું.
કોઈ ભીતરેથી માર્ગ ચીંધે છે,
હું મને આસપાસ રાખું છું.
વાર-તહેવારે કોરા કાગળ પર,
ખુદ્દને મળવાનું ખાસ રાખું છું.
એટલે તો છે લાગણી ઘેરી,
મૂળસોતી હું પ્યાસ રાખું છું.
કૈં વધારે તો ક્યાં કશું રાખ્યું ?
એના નામે આ શ્વાસ રાખું છું.
મહિમા હું આપવાનો જાણું છું,
એટલે ક્યાં કચાસ રાખું છું ?
આથમે નહિં એ સૂર્યની માફક,
હું ગઝલનો ઉજાસ રાખું છું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply