માંગ્યું નથી વધારે કશું ઇંતઝારમાં.
ગમતું ઘણું ય થાય છે એના વિચારમાં.
મારી ઉપર નજર મેં નથી રાખી એમનેમ,
મારો પ્રભાવ રાખું છું હું જીત-હારમાં.
માન્યું કે સાખ તારી હશે સોળઆના પણ,
એનાથી લઇ શકીશ તું સમજણ ઉધારમાં ?
હોવાપણાંનો અર્થ મને તો મળી ગયો,
આ સાંજ ને સવારના સરખા નિખારમાં.
એથી તો એને હાથમાં રાખું છું રાત દિ’
સપના ય લડખડે છે હકીકતના ભારમાં.
રહેવું છે સ્વસ્થ એટલું નક્કી કર્યું અને,
મે મારી સાથે વાત કરી સારવારમાં.
ખુલ્લા હ્રદયની રાખી છે જાહોજલાલી મેં,
જાજમ નથી બિછાવી ભલે આવકારમાં.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply