મન, જરા ધીરજ તું ધર.
દાવ છે મારી ઉપર.
કેમ હું પગલું ચુકું ?
આ સમયની છે નજર.
હું તરસ ને પોંખુ છું,
એટલે છું તરબતર.
શું કહું એના વિશે?
હોય જે આઠે પ્રહર.
કોઈ ને આપી જગ્યા,
થઇ જવાયું હું થી પર.
કેમ છો ? ના પ્રશ્નથી,
પૂછી લઉં મારી ખબર.
છાંયડાનો અર્થ શું ?
ચૈત્રના તડકા વગર.
મારી સાથે હોઉં છું,
એ સ્મરણની છે અસર.
જિંદગી શું છે કહું ?
સ્થિર થાવાની સફર.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply