લગાવ જેવું ન ડાળ રાખે,
પરંતુ પર્ણો ખરે તો કાંપે.
વધુ કે ઓછું, ન મનમાં લાવે,
જે ખુદને મોસમ મુજબ નિખારે.
જો ચાલશો તો છે માર્ગ સામે,
ગણિત સ્હેલું નદી ગણાવે.
મેં હાથમાં બસ આ હાથ આપ્યો,
હ્રદય એ પળથી છે હાથ બ્હારે.
આ હોવું એમ જ ના ઝળહળે કંઇ,
સ્મરણ તમારું મને જગાડે.
ગજું વધ્યાંનો મળ્યો પુરાવો,
સતત રહું છું હું મારી સાથે.
સહીસલામત હું રાખું દર્પણ
ને ખુદને બદલું સમય પ્રમાણે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply