લાગણીભીની મત્તાનો ફાયદો થ્યો.
સ્થૂળ છે એ દૂરતાનો ફાયદો થ્યો.
હું મને જોઈ શકું ત્રીજી નજરથી,
બારમાસી સૂરતાનો ફાયદો થ્યો.
વાડ સાથે વેલના સગપણથી લાગ્યું,
કે, સ્વભાવી ભિન્નતાનો ફાયદો થ્યો.
સાર બીજો હોય શું સમજણ વિશે નો?
ખાધી છે એ સૌ ખતાનો ફાયદો થ્યો.
સાવ પોતીકા સમય, સંજોગ લાગ્યા,
આગતા ને સ્વાગતાનો ફાયદો થ્યો.
છાપ સારી રહી ગઈ શરૂઆતની બસ,
એ અધૂરી વારતાનો ફાયદો થ્યો.
દુ:ખતી રગ હોય છે સંબંધની પણ,
આ હ્રદયની ધીરતાનો ફાયદો થ્યો.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply