સમયના ગુંચવાયેલા દોરાથી
સ્વેટર ગુંથતી
એ વિત્યા જમાનાની હતી…
ક્યારેક એ પણ ઉછળકૂદ કરતી
અલ્લડતાને વરેલી હતી,
હવે રસોડાના રાચ-રચીલામાં
ગોઠવાઈ ગઈ છે,
ચલણ બહાર થયેલા સિક્કા જેવા
એના સપનાંઓ
હવે પીંગી બેન્કમાંથી
ક્યારેય બહાર નહિ આવે,
જે એણે
વરસો પહેલા સાચવવા મૂક્યાહતા. ..
અરીસાની આદી એ હવે
થાળી સાફ કરતા
પોતાનો ચહેરો જોઈ લે છે,
ને બીજી ક્ષણે
ઉભરતા વિચારોને ઝટકો મારી
ભગાડી દે છે.
એની ઈચ્છાઓને વરાળ
ઉડાવી લઈ જાય છે,
ને એ
સમજણની સુગંધને
રાંધવામાં પરોવાઈ જાય છે.
સપનાંઓ જ્યારે એના મનમાં
અણધાર્યા અતિથિ થઈને આવે છે,
ને
એની આજુબાજુ બેસી જાય છે…
ત્યારે
એ કુશળ કામવાળી થઈને
ભીના કપડા વડે એને ઝાટકી નાંખે છે,
સાવરણીથી ફટકારે છે,
ફર્શના પોતાથી ઘસી નાખે છે,
લોટમાં ગુંદી નાખે છે,
ને આખરે ગેસના બટન જેમ
એને મરોડીને
તપેલીમાં નાખી ચડાવી દે છે ચૂલે ..
વિત્યા જમાનામા ઘડાયેલી એ
હકીકતની દુનિયા સ્વીકારી
સમયના ઉનને સીધું કરી
વર્તમાનનું સ્વેટર
ગુંથવા મંડી પડે છે…
~ હેમશીલા માહેશ્વરી “શીલ”
Leave a Reply