ક્યાંક જૂનું તો વળી ક્યાંક નવું રાખ્યું છે.
એકની એક આ વાતોમાં ઘણું રાખ્યું છે.
ભાર પોતાનો નહી ઉચકી શકે જાણું છું,
દુઃખને એથી જ તો એકવડું રાખ્યું છે.
ભલભલા એની સમક્ષ થાય છે પાણીપાણી,
સાવ સીધી છે એ નજરુંમાં કશું રાખ્યું છે.
નામ પાછળ ક્યાં લગાવ્યું છે વિશેષણ?
જેમ છું એમ થવાનું મેં ગજું રાખ્યું છે.
કૈંક હોવાનો નથી ભાર કદી યે રાખ્યો,
ડાળખીએ તો સતત ડાળપણું રાખ્યું છે.
હાથ જોડીને નથી માગ્યું વધારે કંઈપણ,
ખાસમાં ખાસ છે એ આંખવગું રાખ્યું છે.
મૌન રાખું કે પછી વાત કરું ખુલ્લીને,
ખુદને મળવાનું આ રીતે જ હજુ રાખ્યું છે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply