ક્યાંક હળવી ક્યાંક ભારી હોય છે !
ક્ષણ બધે ક્યાં એકધારી હોય છે ?
ના કદી અણસાર આપે વાર નો,
આ સમય પાકો શિકારી હોય છે !
એ હકીકત સ્વપ્ન જેવી લાગશે,
ધારણાં માં જેને ધારી હોય છે !
જ્યાં નદી દરિયા ને મળતી પ્રેમ થી,
ત્યાં થી બસ, એ સાવ ખારી હોય છે !
પાનખર વરસોવરસ પોંખ્યા કરે,
ડાળ માં એવી ખુમારી હોય છે !
છે મગજ આખું અને મન થોડું, પણ. .
પ્રેમ માં બન્ને જુગારી હોય છે !
હોય છે ક્યારેક પીડા માં કરાર,
ને, ખુશી માં બે-કરારી હોય છે !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply