તમે ક્યારે ખુદને સાદ પાડી શકો છો?
આ સાપેક્ષ પ્રશ્નના જવાબમાં આ ગઝલ અવતરી…🙏
ક્યાં કશું સંભારવા હું સાદ ખુદને પાડું છું ?
કૈંક લેવા મૂકવા હું સાદ ખુદને પાડું છું.
જ્યાં સમયનો હો તકાજો ને ભરું પગલાંઓ ત્યાં,
બે ઘડી બસ થોભવા હું સાદ ખુદને પાડું છું.
વાત તો હળવેકથી માંડી લઉં છું પણ પછી,
ભાર એનો વ્હેંચવા હું સાદ ખુદને પાડું છું.
કલ્પનાની પાંખ ને આકાશ ખુલ્લું જ્યાં મળે,
સ્થિર પગને રાખવા હું સાદ ખુદને પાડું છું.
ખુદના ભેરુ કે પછી ગુરૂ થવાની લાલચે,
કંઇ નહીં બસ હું થવા હું સાદ ખુદને પાડું છું.
વારસાગત છે અભરખા ને નવી ક્યાં છે કનડગત ?
મન જરા બહેલાવવા હું સાદ ખુદને પાડું છું.
કાલથી નિસ્બત નથી ને કાલની ચિંતા નથી,
આજને અજવાળવા હું સાદ ખુદને પાડું છું.
– લક્ષ્મી ડોબરિયા
Leave a Reply