ક્યાં કશું આગોતરું સમજ્યું હતું ?
મેં સમયસર ચાલવું સમજ્યું હતું.
ગર્વ કે સંતોષ છે એક વાત નો,
કાલથી આજે વધુ સમજ્યું હતું.
દુઃખનું હોવું તો ઝાકળ જેવું છે,
મેં અષાઢી વાદળું સમજ્યું હતું.
વાતવાતે હા જી હા કરતું રહ્યું,
મનને તો સાજું સમું સમજ્યું હતું.
મોસમી છે તોર, કાયમ નહિ રહે,
ડાળખીએ એટલું સમજ્યું હતું.
જ્યાં લખ્યા નિબંધ સૂરજ પર તમે,
ત્યાં મેં દીવાનું ગજું સમજ્યું હતું.
એટલે તો રંજ દૂરીનો નથી,
આપણું અંજળપણું સમજ્યું હતું.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply