ક્ષણોને પત્રમાં નહી લખાય, ને પ્રીતને એમ આલેખાય નહીં
લખતા લખાશે આખો ઇતિહાસ, છે આ તારી ને મારી વાત.
સરસર વહેતી આ સંવેદના અંતરોના માપમાં મપાય નહી
સૌંદર્યના શમણાથી રહેતી પરે, છે આ તારી ને મારી વાત
આતો આભ તણો લંબાતો પ્રેમ છે, નજરો ખેચી દેખાય નહીં
ભરી પાતાળ જેટલી ઊંડાઈ મહી, છે આ તારી ને મારી વાત
ગ્રંથમાં લખ્યું લખાય નહીં અને ગીત ગઝલોમાં સમાય નહીં
મહાગ્રંથો માં પણ માંડ સમાવાય, છે આ તારી ને મારી વાત
ફૂલોના ઢગલા ફીકા પડે છે, આની સુગંધ ઉધાનોમાં માય નહીં
જઇ આખા ચંદન વનને મહેકાવતી આ છે તારી ને મારી વાત
હાર જીતની વાતો પોકળ બધી સમજણ વિના સમજાય નહીં
શંકાનાં બંધનમાં જકડાય નહિ, આ છે તારી ને મારી વાત
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply