ક્ષણને ક્ષણથી કાપ, ચીલો ચાતરી.
કાં અવિરત જાપ, ચીલો ચાતરી.
સોંસરી ઊતરે છતાં લાગે સહજ,
મૌન ઓળખ આપ, ચીલો ચાતરી.
કાલને અભિમાન એનું થઇ જશે,
આજ એવી સ્થાપ, ચીલો ચાતરી.
તું ઉછીનું દર્દ લઇ, ક્યારેક તો,
કાઢ મનનું માપ, ચીલો ચાતરી.
સૂર્યને ઠંડો દિલાસો આપવા,
માંગ થોડો તાપ, ચીલો ચાતરી.
જોઈ લેવાનું સમયને થાય મન,
એ હકીકત છાપ, ચીલો ચાતરી.
આ ગઝલમાં સ્થિર થઇ ને મોન પણ,
શબ્દને દે થાપ, ચીલો ચાતરી.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply