ખાલીપો ખાળવાના નુસખામાં,
જે ભર્યું, તે મળ્યું છે પડઘામાં !
થઈ ગયું શું આ જોતજોતામાં ?
તું જ દેખાય છે અરીસામાં !
મેં સમય સાચવ્યો સહજતાથી,
ક્યાંક મુઠ્ઠીમાં, ક્યાંક ખોબામાં !
તું કસોટી કરે છે તો જાણ્યું,
તેંય શ્રધ્ધા તો રાખી મારામાં !
તારા હોવાની થઈ છે અવગણના,
ઓ ઉદાસી, સમજ ઈશારામાં !
એમ મ્હોરી ઉઠું છું, તમને જોઈ,
જાણે કે ગુલમહોર તડકામાં !
સાવ એળે ન જાય ઝૂરાપો,
આ ગઝલ આવે છે દિલાસામાં !
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply