કેટલી લઇને મતા આવી ચડે.
ચોરપગલે આપદા આવી ચડે.
તળ, સપાટી તાગવા આવી ચડે.
સ્વપ્નમાં પણ સૂરતા આવી ચડે.
બે જણાં હળવા થવા બેસે અને,
ત્યાં ગમા ને અણગમા આવી ચડે.
એક પ્રતીક્ષારત દીવાના તેજ થી,
સાંજ ખુદના રંગમાં આવી ચડે.
શ્વાસ ઊંડા લેવા લલચાવે મને,
મ્હેક એની લઇ હવા આવી ચડે.
આ સમય એને કદી ક્યાં રોકે છે ?
ક્યાંય પણ સંભારણા આવી ચડે.
ખાલી ક્ષણને હું વખોડું કઇ રીતે?
આંખ ત્રીજી ખોલવા આવી ચડે.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply